પરિવારમાં કોઈનું મૃત્યુ થતાં મુંડન કેમ કરવામાં આવે છે, શાસ્ત્રો મુજબ આ છે તેનું કારણ.

Astrology

મિત્રો, મૃત્યુ પછી મૃતકની આત્માને મુક્તિ તેમજ શાંતિ માટે ઘણી વિધિઓ કરવામાં આવે છે. તમે પણ જોયું હશે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય પછી પરિવારમાં પુરુષો પોતાના માથાના વાળનુ મુંડન કરાવે છે. ઘણા ઓછા લોકો તેના પાછળનું ધાર્મિક કારણ જાણતા હશે. આજે આપણે તેના પાછળનું ધાર્મિક કારણો જાણીશુ. ગરુડ પુરાણ અનુસાર રીતી તથા નિયમથી કરેલા કાર્યથી આત્માને નવા જન્મ એટલે કે બીજા શરીરના પ્રવેશના દ્વાર ખૂલે છે.

મૃત્યુ પછીના તમામ ક્રિયાકાંડ પછી કરવામાં આવતી વિધિઓ માંથી એક છે કોઈનું મૃત્યુ થયા બાદ પરિવારના પુરૂષ સદસ્યોનું મુંડન કરાવવુ. આ મુંડન ની ક્રિયામાં માથાના તથા મોઢા પરના બધા જ વાળ ઉતારી દેવામાં આવે છે. જો કોઈ પરીજને માથામાં ચોટી રાખી હોય તો તેને કાપવાની મનાઈ છે. આ ક્રિયા કરવા પાછળનું પહેલું મુખ્ય કારણ સ્વચ્છતા છે. કારણ કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ તેના શરીરમાં સૂક્ષ્મ કીટાણુંઓથી થવા લાગે છે. મૃત શરીર ઘણા બધા જીવાણુનું ઘર બનવા લાગે છે. પરિવારના લોકો મૃત શરીરને ઘરેથી લઈ સ્મશાને અગ્નિ સંસ્કાર આપવા સુધી ઘણી વખતે તેને અડકે છે. તેનાથી રોગાણુનું સંક્રમણ પરિવારના લોકોને પણ થવાની સંભાવના રહેલી હોય છે. એટલા માટે અગ્નિ સંસ્કાર પછી નખ કાપવાના, સ્નાન કરવું તથા મુંડનની પ્રક્રિયા સાથે કરવામાં આવે છે.

સ્ત્રીઓ સ્મશાનમાં જતી નથી તેથી હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને મુંડન કરવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઇ પરિવારના સભ્યનું મૃત્યુ થયું હોય ત્યારે મુંડન કરાવવા પાછળ મૃત વ્યક્તિ પ્રતિ શ્રદ્ધા તથા સન્માન તેનું કારણ હોઇ શકે છે. મુંડનને મૃતકના સન્માનના રૂપમાં જોવામાં આવે છે. મૃતકે પરિવાર માટે ઘણું બધું કર્યા પછી અને ઘણા વર્ષો સુધી પ્રેમ અને સમર્પણ કર્યા બાદ પરિવારના સભ્યોને છોડયા હોય છે એટલે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે પણ મુંડન કરવામાં આવે છે.

જે રીતે ઘરમાં બાળકના જન્મ બાદ સુતક લાગે છે તેવી રીતે ગરુડ પુરાણ અનુસાર પરિવારમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ લાગવા વાળા સુતકને પાતક કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે મૃતકના મૃત્યુ બાદ મૃતક પરિવારના લોકોમાં અપવિત્રતા રહે છે. અને મુંડન કરાવવાથી આ અપવિત્રતા માંથી મુક્તિ મળે છે એટલા માટે મૃતક પરિવારના લોકોને દસ દિવસ સુધી તથા અંતક્રિયા કરવાવાળા પરિવારજનોને પિંડદાન સુધી પાતકનું પાલન કરવું પડે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે તેરમું થઇ ગયા બાદ મૃત વ્યક્તિની ચીજ વસ્તુઓનું દાન કરી દેવું જોઈએ.

ગરુડ પુરાણ અનુસાર મૃતકની આત્મા પોતાના મૃત્યુને સ્વીકારવા માટે તરત જ તૈયાર થઈ શકતી નથી. પહેલા તો આત્મા પોતાના શરીરની આજુબાજુ ફર્યા કરે છે અને શરીરમાં પ્રવેશ કરવાનો ઘણો પ્રયત્ન કરે છે. અગ્નિ સંસ્કાર પછી તેના ઘરે અને પરિવારજનોની આસપાસ ફરે છે. પરંતુ ઈન્દ્રિયોના અભાવના કારણે તેમનો ભૌતિક સંપર્ક કરી શકતી નથી. પરંતુ આ સંપર્કને બનાવવા માટે માથાના વાળ સહાયક બની શકે છે. એટલા માટે આ સંપર્કની સંપૂર્ણ રીતે તોડવા માટે અને આત્માની મુક્તિ માટે આ મુંડન કરાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *