મિત્રો, ચિંતા એક એવી બીમારી છે જે તમારા મનની બધી જ ખુશીઓ ખાઈ જાય છે. વધારે ચિંતા કરવા વાળો માણસ તમને કદી ખુશ નહીં દેખાય. ચિંતામાં ડૂબેલા માણસને કોઈ વાતથી ખુશી મળતી નથી. આવો માણસ એક વાતને લઈને હંમેશા વિચારતો જ રહે છે ,વિચારતો જ રહે છે. આવા માણસો એક ઉદાસી અને દુઃખની ઉર્જાથી ઘેરાયેલા રહે છે પછી ચાહે કોઈ ખુશીનો સમય હોય, કોઈ ઉત્સવ હોય કે પછી તહેવાર હોય. કોઈ વસ્તુ આવા માણસોને ખુશી આપી શકતી નથી. તેમને એવું લાગે છે કે બધી જ જવાબદારી તેમના ખભા પર છે તેઓ ધ્યાન ન રાખે તો બધું જ બગડી જશે પરંતુ એવું હોતું નથી.
ઘણીવાર ફક્ત તમારી ચિંતા કરવાના કારણે જ બનતા કામ બગડી જાય છે. પરિવારમાં જો એક માણસ ચિંતા કરે છે તો તેની અસર સમગ્ર પરિવાર ઉપર પડે છે. સમગ્ર ઉપર એ જ ઉર્જા ફેલાવા લાગે છે અને ઘરમાં કોઈ ખુશ રઈ શકતું નથી. પછી આવા માણસોની એક આદત પડી જાય છે કે તેઓ નાની નાની વાતમાં પણ ચિંતામાં પડી જાય છે અને જે માણસ વધારે ચિંતા કરે છે તેને ગુસ્સો,ચીડિયાપણું અશાંતિ, બેચેની,મોડી રાત સુધી ઊંઘ ન આવવી આવી બીમારીઓ થવા લાગે છે. એક એવી સત્ય વાત છે ભલે કડવી છે અને બની શકે છે તમે એ ન માનો પરંતુ તમે જેટલી વધારે ચિંતા કરો છો વાસ્તવિકતામાં એવું કંઈ જ નથી જેની ચિંતા કરવી જોઈએ. ઘણા લોકો એવું કહે છે કે અમારા જીવનમાં રહેલી તકલીફો વિષે બીજાને શું ખબર હોય.
જીવન ગમે તેવું હોય પણ જો તમે સમસ્યાઓનું સમાધાન નથી કાઢી શકતા તો સમજવું કે તમે પોતે જ એક સમસ્યા છો. If you can’t solve the problem you are the problem. કારણ કે એવી કોઈ ચિંતા નથી જેને કરવાથી તમને સુખ મળી જશે કે પછી ચિંતા કરવાથી તમારા ઘરમાં અને મનમાં શાંતિ આવી જશે. ચિંતા એક એવું ઝેર છે જે તમારું આવનારુ ભવિષ્ય તો સારું નહીં બનાવે પરંતુ તે તમારી આજની ખુશીઓ અને આજનો દિવસ જરૂરથી બગાડી દેશે. વાસ્તવમાં ચિંતા શું છે? આમ ન થઈ જાય, તેમ ન થઈ જાય આવું કેમ નથી ,તેવું કેમ નથી આનો સીધો મતલબ એ છે કે ચિંતા એ વાતની જ થાય છે જે વાત તમારા કંટ્રોલમાં નથી. હવે જે વાત આપણા કંટ્રોલમાં જ નથી એ વાત વિશે વિચારી વિચારીને કયુ સ્વર્ગ આપણને મળી જવાનું છે. ચિંતાથી દૂર રહેવા માંગો છો તો આ પાંચ વાતોને અવશ્ય ધ્યાનમાં રાખજો.
સૌથી પહેલા તો કાલે શું થશે તે વિચારીને પોતાની આજને ખરાબ કરવાનું છોડી દો. બીજી વાત જે વાતો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારી નથી એ વાતોને ભૂલવાનું અને લેટ ગો કરવાનું શીખી જાવ. દરેક વાતમાં વધુ મગજ દોડાવવાનું બંધ કરી દો, બહુ પરવા કરી દીધી તમે હવે થોડું લાપરવાહ બનાવવાનું શીખી જાવ. સાચે જ આવું કરવાથી તમારા મનનો બધો જ બોજ ઉતરી જશે. ત્રીજી વાત તમારી એ ઇચ્છાને બિલકુલ છોડી દો કે લોકો અને પરિસ્થિતિ તમારા હિસાબથી ચાલે કારણકે લોકો અને દુનિયા કદી પણ કોઈના હિસાબથી ચાલતી નથી. હવે જ્યારે આપણું કોઈના પર કંટ્રોલ જ નથી તો ફાલતુ વિચારો કરી કરીને આપણા મન માટે આપણે જ અશાંતિ ખરીદી લઇએ છીએ. માટે એ વિચારવાનું છોડી દો કે લોકો અને પરિસ્થિતિઓ કેવી હોવી જોઈએ પરંતુ એ વિચારો કે દરેક પરિસ્થિતિમાં મસ્ત કેવી રીતે રહેવું જોઈએ.
ચોથી વાત કે દરેક વાત માટે તમે પોતાની જાતને જવાબદાર બનાવવાનું છોડી દો, એવું ન વિચારો કે જે પણ થયું છે તે તમારા કારણે જ થયું છે. એક કડવું સત્ય જાણી લો કે આપણા પહેલા પણ બધું ચાલી રહ્યું હતું અને આપણા પછી પણ બધું ચાલવાનું છે. દરેક માણસ પોતાનો રોલ પ્લે કરી રહ્યો છે. તો વધારે ગંભીર બનવાની જરુર નથી. સમસ્યાઓ દરેક વ્યક્તિની જિંદગીમાં અને દરેક પરિવારમાં છે અને તમે પહેલા એવા ઇન્સાન નથી જેના જીવનમાં સમસ્યાઓ છે ,દરેકને આવી સમસ્યાઓ છે, અરે મસ્ત રહો સ્વસ્થ રહો, તમે કોઈનુ બધું જ ઠીક કરી દેવાનો ઠેકો લઈને રાખ્યો નથી. બસ તમે પોતાની જાતને ખુશ રાખો એટલું ખૂબ થઈ ગયું.
પાંચમી વાત કે તમે દરેક વાતને મનમાં ન રાખો. ઘણીવાર લોકો પોતાના મનની વાત કોઈને કહી શકતા નથી અને અંદર ને અંદર ઘુંટાતા રહે છે. તેના કારણે તેઓ કદી ખૂશ થઈ શકતા નથી તેમના અંદરથી બધી ખુશીઓ જ ખોવાઈ જાય છે. તમે તમારા અંદરના ડરને બહાર કાઢો અને વાતો ને કહેવાનું રાખો. એ વિચારવાનું છોડી દો કે કોઈને ખોટું લાગશે, સંબંધોમાં કડવાશ આવશે આ બધું તમે વિચારશો તો બીજા શું વિચારશે. શું બધા સંબંધ નિભાવવાની જવાબદારી તમારા પોતાની જ છે સામેવાળા વ્યક્તિની નથી? એટલા માટે જ અંદર ને અંદર ઘૂંટાઈને મરવા કરતા સીધી વાત કરતા શીખી જાઓ. કારણ કે સાચા ને સાચું અને જુઠ્ઠાણાને જૂઠું કહેવામાં જો કોઈ સંબંધ તૂટે છે તૂટવા દો પરંતુ તમે અંદરથી ગુંગળાઈને તમારી અને તમારા પરિવારની જિંદગી બરબાદ ન કરશો.
ઘણા લોકો જિંદગી જીવતા નથી પરંતુ એવું લાગે છે ફક્ત દિવસો કાઢી રહ્યા છે. જિંદગી એક ના એક દિવસે પૂરી થઈ જવાની છે તો કેમ મગજમાં આ ચિંતાનો બોજ લઈને જિંદગી જીવવી? જિંદગીના દિવસોને ગણીને કાઢશો નહીં પરંતુ તેના એક એક પળને જીવતા શીખો. મિત્રો આપણી સૌથી મોટી જવાબદારી એ છે કે આપણે પોતાની જાતને ખુશ રાખતા શીખવીએ. દરેક પળને એક ઉત્સવની જેમ જીવો. આ જિંદગી ખૂબ જ સુંદર છે તેને આવી ફાલતુ ચિંતાઓથી ગુમાવી બેસતા નહીં. હંમેશા ખુશ રહો, પોતાના પરિવાર, પોતાના બાળકોને ખુશ રાખો અને ચિંતાઓને પોતાની જિંદગીથી દૂર રાખો. જય શ્રી કૃષ્ણ.