મિત્રો, આગામી સમયમાં રાજ્યમાં ઠંડીથી લોકોને રાહત મળશે. આગામી દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કચ્છમાં બે ત્રણ દિવસ માટે કોલ્ડ વેવ ની અસર રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયામાં બે ડિગ્રી તાપમાન રહ્યું હતું જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ઠંડુ હતું. ત્રણ દિવસમાં નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન રહેવાની શક્યતા છે તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં તારીખ 18, 19 અને 20 ના દિવસે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. તારીખ 20 થી 25 માં ઉત્તર ગુજરાતના ભાગો ,મધ્ય ગુજરાતના વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલે એ પણ આગાહી કરી છે કે હવેથી ઠંડીમાં ધીરે ધીરે રાહત મળતી જણાશે. 20 તારીખ પછી ઠંડીમાં ઘટાડો થશે પરંતુ ઉત્તર ભારતમાં હિમ વર્ષા થશે. જાન્યુઆરી મહિનાના આખરી સપ્તાહમાં ફરીથી વાદળો ઘેરાશે. 19 તારીખે ઠંડા પવનનો ફૂંકાય અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 29 થી 31 ડિગ્રી સુધી જશે. રાજ્યના દરિયા કિનારાના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ 25 ડિગ્રી તાપમાન રહેશે. 20 ફેબ્રુઆરીથી તાપમાન વધશે અને રાત્રિના ભાગોમાં અનેક વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ થાય પરંતુ ફેબ્રુઆરી મહિનામાં હવામાન કથળે તેવા અણસાર છે.