જાણો, ભગવાન શિવની ત્રીજી આંખનું શું રહસ્ય છે?

Astrology

મહાશિવરાત્રિનો પર્વ મહા મહિનાની વદ પક્ષની ચૌદશના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભોળાનાથની આરાધનાનો દિવસ માનવામાં આવે છે. આ વખતે મંગળવાર, ૧ માર્ચ ૨૦૨૨ના રોજ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. ભગવાન શિવના અનેક રૂપ છે. જેવાકે, માથા ઉપર જટા, ગળામાં નાગરાજ અને શિવજીની ત્રીજી આંખ. લોકોએ શિવજીની ત્રીજી આંખ અંગે અનેક પ્રચલિત કથાઓ સાંભળી હશે, છતાંય તે એક રહસ્ય જેવું જ લાગે છે. આજે જાણો ભગવાન શિવની ત્રીજી આંખનું શું રહસ્ય છે તે જાણીશું…

ભગવાન શિવજીની ત્રીજી આંખ દિવ્ય દૃષ્ટિનું પ્રતીક માનવામાં આવે છે.
માન્યતા એવી છે કે ભગવાન શિવજીની ત્રીજી આંખ તેમની દિવ્ય દૃષ્ટિ છે. આ દિવ્ય દૃષ્ટિથી કશું જ છુપાયેલું રહી શકે એમ નથી. શિવાજીની ત્રીજી આંખ જ્ઞાન-ચક્ષુ સમાન છે, જેનાથી તેમને આત્મજ્ઞાનની અનુભૂતિ થતી હતી. આ આંખથી તેઓ ત્રણેય લોકની ગતિવિધિઓ ઉપર નજર રાખતા હતા. શિવજીની ત્રીજી આંખ તેમને દરેક વસ્તુના ઊંડાળમાં જવા માટે મદદ કરે છે એવું માનવામાં આવે છે. ભગવાન શિવની ત્રીજી આંખ તેમની શક્તિનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. તેનાથી તેમની છબી ખૂબ જ પ્રભાવશાળી બની જાય છે. માન્યતા એવી પણ છે કે ભગવાન શિવની ત્રીજી આંખ ખુલતા જ સંપૂર્ણ સૃષ્ટિ ભસ્મ થઇ શકે છે.

ભગવાન શિવજીની ત્રીજી આંખ અને તેની સાથે જોડાયેલી કથા:

ભગવાન શિવની ત્રીજી આંખ અંગે અનેક કથાઓનું વર્ણન જુદા જુદા પુસ્તકોમાં કરવામાં આવ્યું છે. એક કથા પ્રમાણે જ્યારે ભગવાન શિવ પોતાના ધ્યાનમાં તલ્લીન હતા ત્યારે માતા પાર્વતીએ તેમની બંને હથેળીઓથી તેમની આંખને ઢાંકી દીધી હતી. જેના કારણે સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે તે સમયે મહાદેવજીએ પોતાની ત્રીજી આંખથી એટલો પ્રકાશ ઉતપન્ન કર્યો કે આખી ધરતી બળવા લાગી હતી. ત્યારે માતા પાર્વતીએ તરત જ પોતાની હથેળી હટાવી લીધી અને તરત જ બધું જ સામાન્ય થઈ ગયું. આ કથા દ્વારા એવું જાણવા મળે છે કે ભગવાન શિવજીની એક આંખ સૂર્ય અને બીજી આંખ ચંદ્ર સમાન છે.

બીજી કથા:
એક બીજી કથા પ્રમાણે, એકવાર દક્ષ પ્રજાપતિએ ભવ્ય હવનનું આયોજન કર્યું હતું અને તે હવનમાં ભગવાન શિવનું ખૂબ જ અપમાન કરવામાં આવ્યું હતું. જે માતા સતી સહન કરી શક્યા નહીં અને તેમણે ત્યાંજ આત્મદાહ કરી લીધો. આ ઘટનાના કારણે ભોળાનાથ એટલાં દુઃખી થયા હતા કે વર્ષો સુધી તેમણે કઠોર તપસ્યા કરી હતી. માન્યતા મુજબ સમય સાથે માતા સતીનો હિમાલયની પુત્રી તરીકે ફરી જન્મ થયો. પરંતુ ભગવાન શિવ પોતાના ધ્યાનમાં એટલાં લિન હતા કે તેમને કોઈ વાતનો અહેસાસ થયો ન હતો. બધા દેવતા ઇચ્છતા હતા કે જલ્દી જ માતા પાર્વતીનું શિવજી સાથે મિલન થાય.

દેવી-દેવતાઓની બધી જ કોશિશ નિષ્ફળ સાબિત થઇ હતી. પછી અંતે ભગવાન કામદેવને મદદ માટે બોલાવવામાં આવ્યાં હતા. કામદેવ જુદી જુદી રીતે ભગવાન શિવનું ધ્યાન તોડવાની કોશિશ કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. તે પછી કામદેવે આંબાના ઝાડ પાછળથી ફૂલનું બાણ ચલાવ્યું, જે સીધું શિવજીના હ્રદયમાં જઈને વાગ્યું અને તેમનું ધ્યાન તૂટી ગયું. ધ્યાન ભંગ થવાથી મહાકાળ એટલાં ગુસ્સે થઈ ગયા કે તેમણે પોતાની ત્રીજી આંખથી કામદેવને ભસ્મ કરી દીધા નાખ્યા. હવે દેવતાઓને આ વાતની સંતુષ્ટિ હતી કે શિવાજીનું ધ્યાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ એક વાતનું દુઃખ પણ હતું કે કામદેવે પોતાના જીવનનું બલિદાન કરવું પડ્યું. જ્યારે કામદેવની પત્નીએ શિવજીને પ્રાર્થના કરી કે પોતાના પતિને ફરી જીવિત કરી દે, ત્યારે શિવજીએ દ્વાપર યુગમાં કામદેવ ભગવાન કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લેશે તેવું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *