મિત્રો, પ્રમુખસ્વામી મહારાજ તરીકે ઓળખાતા નારાયણ સ્વરૂપદાસ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયની એક શાખા BAPS ના પ્રમુખ હતા. તેઓ સંસ્થાના પ્રમુખ હોવાને કારણે પ્રમુખસ્વામીના હુલામણા નામથી ઓળખાયા. ભગવાન સ્વામિનારાયણના તેઓ પાંચમાં આધ્યાત્મિક વારસદાર હતા. પ્રમુખસ્વામી મહારાજનો જન્મ 7 ડિસેમ્બર 1921 ના રોજ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નાના સરખા ગામ ચાંસદમાં થયો હતો. તેમના પિતાનું નામ મોતીભાઈ પટેલ અને માતાનું નામ દિવાળીબેન પટેલ હતું. બાળપણમાં તેમનું નામ શાંતિલાલ રાખવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ એવા શાસ્ત્રીજી મહારાજે ભક્ત શાંતિલાલને અમદાવાદમાં આંબલી વાળી પોળ માં 22 નવેમ્બર 1939 ના રોજ દીક્ષા આપી હતી અને આશરે બે મહિના બાદ 10 જાન્યુઆરી 1940 ના રોજ ગોંડલ ખાતે ભાગવતી દીક્ષા મળી. આ દીક્ષા આપતી વખતે ભક્ત શાંતિ લાલને નવું નામ આપવામાં આવ્યું. આ નામ હતું નારાયણ સ્વરૂપદાસ સ્વામી. વર્ષ 1950 માં BAPS નામની સંસ્થામાં પ્રમુખ તરીકે તેમની વર્ણી થઈ. પ્રમુખસ્વામી મહારાજે વર્ષ 2000માં યુનાઇટેડ નેશનની ધર્મસભા માં ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ વાર પ્રવચન આપીને તેમને ગુજરાતી ભાષાને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યુ હતું. પ્રમુખસ્વામી મહારાજે 18000 થી વધુ ગામડાઓમાં ધર્મ સભાઓ કરીને લોકોને જીવન જીવવાની નવી રાહ બતાવી છે.
પ્રમુખસ્વામી મહારાજે લગભગ અઢી લાખ જેટલા ઘરોની મુલાકાત લઈને લોકોને નિર્વશની જીવન જીવવાનો સંદેશ પાઠવ્યો. તેમણે 9090 જેટલા સંસ્કાર કેન્દ્રો શરૂ કર્યા. તેમને 55 હજાર જેવા સ્વયંસેવકોની ફોજ ઊભી કરીને આપત્તિઓ સમયે લોકોને મદદ કામગીરી કરી છે. વિશ્વને ગાંધીનગર અને દિલ્હીનું અક્ષરધામ મંદિર ભેટ આપનાર પ્રમુખસ્વામી મહારાજે આ મેં કર્યું એવો ભાવ કદી પણ રાખ્યો જ નથી. બ્રિટનની પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજનું સન્માન થયું હતું. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ પણ પ્રમુખસ્વામી મહારાજના ભક્ત હતા.
આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠ નું ઓપરેશન, પગે વા અને હાર્ટ અટેક કે બાયપાસ સર્જરી આવા અસહ્ય દર્દો તેમને પોતાના જીવનકાળ દરમિયાન સહન કર્યા હતા. ટૂંકી માંદગી બાદ 94 વર્ષની ઉંમરે 13 ઓગસ્ટ 2016 ના દિવસે સારંગપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર સંકુલમાં તેમનો સ્વર્ગવાસ થયો. પ્રમુખસ્વામી મહારાજની રહેણીકરણી અને ઉપદેશમાં પવિત્ર આદર્શ ત્રિવેણી છે જે શાશ્વત રહેશે. જય સ્વામિનારાયણ