મિત્રો ચોટીલાના ચામુંડા માતાને જે ભક્ત શ્રદ્ધાથી પૂજા-અર્ચના કરે છે માતાજી ક્યારે પણ પોતાના ભક્તને દુઃખી નથી રહેવા દેતી. માં પોતાના ભક્તોના તમામ દુઃખ હરી લેતી હોય છે. ચોટીલા રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. આ પ્રદેશ પ્રાચીન સમયમાં પાંચાળ તરીકે ઓળખાતો હતો. માતા ચામુંડા શક્તિના 64 અવતાર પૈકીનો એક છે. માતાજીનું પવિત્ર મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. માતાજીના દર્શન કરવા માટે આશરે ૬૩૫ જેટલા પગથિયા ચઢવા પડે છે.
દેવી ભાગવત અનુસાર અહીં ચંડ અને મુંડ રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ-મુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિ માં ની પ્રાર્થના કરી હતી. ત્યારે આદ્યશક્તિમાના હવન કુંડ માંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા. અને તે જ મહાશક્તિ એ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો. ત્યારથી તે જ મહાશક્તિ ચંડી ચામુંડા તરીકે ઓળખાયા. ચામુંડા માતાના અનેક પરચાઓ છે.
લોકવાયકા પ્રમાણે ચોટીલા ડુંગર પર ભૃગુઋષિનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીને રણ ચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તેઓ શક્તિનું સ્વરૂપ છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો અને ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.
વર્ષો પહેલા ડુંગર પર ચડવા માટે પગથિયા પણ ન હતા ત્યારે પણ ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હતા. અહીં આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી અસંખ્ય ભક્તોની માનવ મહેરામણ ઊમટી પડે છે અને માતાજીની શ્રદ્ધાની શક્તિથી વયોવૃદ્ધ ભક્તો પણ સડસડાટ પગથિયા ચઢી જાય છે. ડુંગર તળેટીમાં શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા દરરોજ માઈ ભક્તોને લાપસી દાળ ભાત શાક નો પ્રસાદ આપવામાં આવે છે. અહીં સાંજ ની આરતી બાદ ભક્તો તથા પુજારી તમામ લોકો નીચે આવી જાય છે. અહીં રાત્રે કોઈ રોકાઈ શકતું નથી. ડુંગર પર મુખ્ય મંદિરમાં માતાજીનાં બે સ્વરૂપ છે જેમાં ચંડી અને ચામુંડા માતા બિરાજમાન છે. જેઓએ ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો.