ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે ?

Astrology

ગણેશોત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે પણ બહુ ઓછા જાણતા હશે કે ગણેશોત્સવ બાદ ભગવાન ગણપતિને વિસર્જિત કેમ કરવામાં આવે છે. તો ચાલો…આજે આપણે ગણેશ વિસર્જન કેમ કરવામાં આવે છે તે જોઈએ. આપણા ધર્મગ્રંથમાં જણાવાયું છે કે ભગવાન વેદવ્યાસે મહાકાવ્ય મહાભારતની રચના કરી પરંતુ એ મહાકાવ્યનું લેખન શક્ય બનતું ન હતું.

એટલે એમણે ગણપતિનું આહ્વાન કર્યું અને લેખન માટે વિનંતી કરી. લેખન દિવસ-રાત ચાલે તેમ હતું અને તે દરમિયાન અન્ન-પાણી વગર સતત એક જ જગ્યાએ બેસવું પડે તેમ હતું. આમ કરવાથી ગણેશજીના શરીરનું તાપમાન ન વધે તે માટે વેદ વ્યાસજીએ ગણનાયક ગણપતિના શરીર ઉપર માટીનો લેપ લગાડી દીધો. તેમણે ભાદરવા સુદ ચોથના રોજ પૂજા કરી દિવ્ય મહાકાવ્ય મહાભારતના લેખનની શરૂઆત કરી. માટીના લેપને કારણે વિનાયકનું શરીર અકડાઈ ગયું. ત્યારથી તેઓ પાર્થિવ ગણેશ કહેવાયા છે.
.
મહાભારતનું લેખનકાર્ય દસ દિવસ સુધી એટલે અનંત ચતુદર્શી સુધી ચાલ્યું. વેદવ્યાસજીએ ગણેશજી તરફ જોયું. ત્યારે તેમને લંબોદરના શરીરનું તાપમાન ઘણું વધુ જણાયું હતું. તે ઓછું કરવા અને શરીર પરથી માટીનો લેપ દૂર કરવા પાર્વતીપુત્રને પાણીમાં પધરાવી દીધા. ભગવાન વેદવ્યાસજીએ ૧૦ દિવસ સુધી ગણેશજીને ભાવપૂર્વક મનગમતું ભોજન કરાવ્યું. આમ આ રીતે પાર્થિવ ગણેશની સ્થાપના, પૂજન, અર્ચન, આરાધન અને દસ દિવસના અંતે વિસર્જનની પરંપરા શરૂ થઇ.
.
બીજી એક માન્યતા મુજબ ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિના દેવ પણ માનવામાં આવે છે. એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યનાં મસ્તિષ્કમાં અધિકાંશ તરલ ભાગ જ છે. આ માટે પણ ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ જ ગણપતિનું નિવાસસ્થાન માનવામાં આવે છે.
.
શાસ્ત્રો મુજબ પણ ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન જળમાં જ થવું જોઈએ. ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળનાં થોડાંક ટીપા અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનુ વિસર્જન કરો તો તે શાસ્ત્રોક્ત રીતે માન્ય છે.
.
શું તમામ મૂર્તિનું વિસર્જન અનિવાર્ય છે?
.
હું એ સ્પષ્ટ કરી દઉં કે “વિસર્જન કઈ મૂર્તિનું ના કરવું જોઈએ”. મોટેભાગે એવું જોવામાં આવ્યું છે કે અજ્ઞાનતાને કારણે ઘણા ભક્તો અસ્થાયી મૂર્તિની સાથે સાથે પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિનું પણ “વિસર્જન” કરી નાખે છે. આવું ક્યારેય ના કરવું. પ્રાણપ્રતિષ્ઠા કરેલી મૂર્તિમાં પ્રાણ હોય છે. આ મૂર્તિમાં તમે તમારા સ્થાયી દેવતાના દર્શન કરતા હોવ છો, માટે સમયાંતરે તેમાં આપની ઈચ્છા અનુસાર દેવતા પ્રવાહિત થતા હોય છે. દેવતા તમારા વશમાં હોય છે. જયારે તમે તેને જમાડો છો ત્યારે જમે છે. સ્નાન કરાવો છો ત્યારે સ્નાન કરે છે. વસ્ત્રો પહેરાવો છો ત્યારે વસ્ત્ર પહેરે છે. હવે જો તમે તેમનું વિસર્જન કરી નાખો તો એ મૂર્તિમાં જ તેમનું મૃત્યુ થઇ જાય છે અને પછી તેઓ એ મૂર્તિની અંદર તમારા વશમાં રહેતા નથી. માટે ક્યારેય પણ સ્થાયી અને અચલ મૂર્તિનું ખંડિત ના થઇ જાય ત્યાં સુધી વિસર્જન ના કરવું.
.
ગણપતિની મૂર્તિનું વિસર્જન કેમ?
.
ગણપતિ ઉત્સવમાં સ્થાપિત કરવામાં આવતી અસ્થાયી મૂર્તિમાં દેવતા આવાહિત થતા હોય છે. માટે મૂર્તિનું વિસર્જન કરતા પહેલા દેવતાને મૂર્તિની બહાર નીકળીને પોતાના સ્થાને જવા માટે કહેવામાં આવે છે. આને “ઉસ્થાપના વિધિ”કહેવામાં આવે છે. દેવતાને પાછા વળતા પહેલા તેમને યથા યોગ્ય રીતે વંદન કરીને જ પાછા વાળવા જોઈએ.
.
ભલે ગમે તેટલા વિધિ વિધાનથી “ઉસ્થાપના” કરવામાં આવેલી હોય તેમ છતાં તેમાં ત્રુટી રહેવાની પૂરી સંભાવના હોય છે. એવું શક્ય છે કે મૂર્તિની ઉસ્થાપના સરખી રીતે ના થઇ હોય અને દેવતા હજી પણ તેમાં બિરાજમાન હોય. અથવા તો એવું પણ થઇ શકે છે કે સાધક એ મૂર્તિ સાથે એટલી ભાવનાત્મક રીતે જોડાયેલો હોય કે તે દેવતાને એ મૂર્તિમાંથી નીકળીને સ્વધામ મોકલવા માટે તૈયાર જ ના હોય. માટે “ઉસ્થાપના વિધિ”થી તે અલિપ્ત રહેતો હોય એવું બને. આવી પરિસ્થિતિમાં દેવતા મૂર્તિમાં જ રહી જાય છે. આ સમયે સમસ્યા થઇ શકે છે.
.
પહેલી સમસ્યા તો એ કે દેવતાઓને અકારણ જ બાધિત રાખવું યોગ્ય નથી. કાર્ય સમાપ્ત થતા જ તેમને મુક્ત કરી દેવા જોઈએ.

અને બીજું એ કે ભક્ત કોઈપણ હોઈ શકે છે. તેની ઈચ્છાઓ કંઈપણ હોઈ શકે છે. કોઈ નથી જાણતું કે ક્યાં ઉદ્દેશ્યથી એ ભક્તે દેવતાનું આવાહન કરેલું છે. એવું પણ બની શકે કે કોઈ દુષ્કૃત્ય કરવાના કે વિનાશ કરવાના ઉદ્દેશ્યથી પણ આવાહન કરવામાં આવ્યું હોય. અને જો એવું ના પણ હોય તો પણ કોઈ પણ સાંસારિક કાર્ય સદાયને માટે શુભ કે અશુભ રહે એવું જરૂરી નથી હોતું. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ કોઈ નથી જાણતું. અને વળી એક કામ કોઈ એક વ્યક્તિ માટે શુભ હોય શકે છે તો બીજા માટે એ જ કામ અશુભ પણ હોય શકે છે. આપણે તો એ પણ નથી જાણતા કે એ જ કાર્ય એ જ ભક્ત માટે ભવિષ્યમાં શુભ રહેવાનું છે કે અશુભ.
.
માટે મૂર્તિ કોઈ બીજાના સંપર્કમાં ના આવે અને યજમાનના સ્વયંના પણ સંપર્કમાં આગળ જતા ના આવે માટે તેનું વિસર્જન આવશ્યક છે.
.
દેવતા ભક્તની ઈચ્છાને હોવાને કારણે જ્યાં સુધી મૂર્તિમાં રહે છે, ત્યાં સુધી પોતાનું નિર્દેશિત કાર્ય કરતા રહે છે. તેઓ શુભ-અશુભનો વિચાર નથી કરતા. શુભ-અશુભનો વિચાર કરવો એ દેવતાઓનું કામ પણ નથી. આ વિચાર કરવાનો અધિકાર માત્ર મનુષ્યને જ મળેલો છે.
.
માટે શાણપણ એમાં જ છે કે પોતાના કાર્યની સિદ્ધિ કર્યા પછી મૂર્તિને વિસર્જિત કરી દેવામાં આવે કે જેથી જો હજી પણ તેમાં દેવતા સ્થિત હોય તો મૂર્તિ જળમાં વિલીન થતાની સાથે જ દેવતા સ્વધામ પહોચી જાય અને કોઈ હાનિ થાય નહિ.
.
આ જ કારણ છે કે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે અસ્થાઈ મૂર્તિને માટીથી બનાવવાનું વિધાન છે. આજકાલ બનાવવામાં આવતી POPની મૂર્તિઓ ઇકો-ફ્રેન્ડલી તો નથી જ હોતી પણ શાસ્ત્ર સમર્થિત પણ નથી હોતી. આ મૂર્તિઓ પાણીમાં વિલીન ન થવાને કારણે વિસર્જન અધૂરું રહી જાય છે. માટે અસ્થાયી મૂર્તિ માટે હંમેશા માટીની મૂર્તિનો જ આગ્રહ રાખવો.
.
ગણેશજી વિસર્જન વખતે ઘણા સિનેમાના ગીતોના તાલ પર DJના ઘોંઘાટ સાથે નાચે છે. આ સિનેમાના ગીતો મોટાભાગે અશ્લીલ હોય છે. યુવાનો વિચિત્ર ચેનચાળા કરીને નાચતા હોય છે. આમાંથી કેટલાય લોકોએ દારૂ પીધો હોય છે. આથી ધાર્મિક હાનિ થાય છે. ખરેખર તો આ સિનેમાના ગીતો અને ગણેશોત્સવને કાંઈ સંબંધ છે ખરો? ગણેશજીની સાત્ત્વિક મૂર્તિ સામે આવા વિકૃત નૃત્ય કરીને શું મળશે? આ રીતે શું ગણેશજી પ્રસન્ન થશે ખરાં? હિંદુઓને ધર્મશિક્ષણ ન હોવાથી આમ બને છે.
.
ગણેશ વિસર્જન સમયે નાચવું હોય તો ભગવાન માટે નાચીએ છીએ તેવો ભાવ રાખીને એટલે કે રાસલીલાના સમયે શ્રીકૃષ્ણ માટે ગોપીઓ જેવી રીતે ભાવમય થઈને નાચ્યા હતા તેવી રીતે ભાવમય થઈને નાચો. ભાવમય થઈને નાચવાથી ‘ભાવ ત્યાં દેવ’ એ વાક્ય પ્રમાણે દરેક ગોપીને તેના શ્રીકૃષ્ણ મળ્યા. તેમના જેવો ભાવ રાખીને ગણેશ વિસર્જન સમયે નાચીએ તો નાચનારાઓને ગણેશજીના અસ્તિત્વની અનુભૂતિ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *