આ ચકલીની 4 વાતો તમને ખરાબ સમયમાં લડતા શીખવાડશે

Story

મિત્રો, કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે જો જીવનની દરેક દવા જીતવું છે તો બળથી વધારે બુદ્ધિનો પ્રયોગ કરો. બળ આપણને લડતા શીખવાડે છે અને બુદ્ધિ જીતવાનું શીખવાડે છે. આજની આ વાતમાં તમને એવી ચાર વાતો શીખવા મળશે જે તમારી જિંદગી બદલી દેશે. આ વાતને તમારી જિંદગી સાથે અવશ્ય જોડીને વિચારજો. એક વખત એક રાજા એક વનમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે એમને એક ચકલી જોઈ. આવી ચકલી રાજાએ પહેલા કદી પણ જોઈ ન હતી.તે ખૂબ જ સુંદર અને અદભુત હતી. રાજાના મનમાં ચકલીને પકડવાનો વિચાર આવ્યો. તેને પકડીને રાજમહેલમાં રાખવાની રાજાને ઈચ્છા થઈ. રાજાએ તે ચકલીને પકડી લીધી પરંતુ તેના પછી જે થયું તેનાથી રાજા ચોકી ઉઠ્યો.

તે ચકલી બોલી, રાજાજી કૃપા કરીને મને છોડી દો. રાજાએ કહ્યું કે તારા જેવી ચકલી આજ સુધી મેં જોઈ નથી અને ખૂબ જ મુશ્કેલીથી તું મારા હાથમાં આવી છે. હું તો તને રાજમહેલમાં કેદ કરીને રાખીશ. આ સાંભળીને પહેલા તો ચકલી થોડી ડરી ગઈ. ત્યારબાદ ચકલી બોલી કે જો તમે મને છોડી દેશો તો હું તમને ચાર એવી વાતો કહીશ જે તમને જિંદગીમાં કદી પણ હારવા દેશે નહીં. રાજાએ તેની વાત માની લીધી. ચકલીએ કહ્યું પહેલી વાત એ છે કે પોતાના હાથમાં આવેલા શત્રુને કદી પણ જવા ન દેતા. ચકલીએ બીજી વાત કહી કે કદી પણ અસંભવ વાત પર વિશ્વાસ ન કરતા.

ચકલી એ ત્રીજી વાત કરતા કહ્યું કે વિતેલી વાત પર કદી પણ પશ્ચાતાપ ન કરવો જોઈએ. જો બીત ગયા સો બીત ગયા. રાજાએ ચકલી ને હવે ચોથી વાત કરવા કહ્યું. ચકલી એ કહ્યું કે તમે મને જે રીતે પકડેલી છે તેથી મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે જો તમે મને થોડી ઢીલ આપો તો હું ચોથી વાત કરી શકું. રાજાએ જેવી થોડી ઢીલ આપી તરત જ ચકલી ફરરરર કરીને હવામાં ઉડવા લાગી અને બોલી મારા પેટમાં બે હીરા છે.જો તમે મને પકડીને રાખત તો તમને બે હીરા મળત. આ સાંભળીને રાજા દુઃખી થઈ ગયો અને પશ્ચાતાપ કરવા લાગ્યો. ચકલી રાજાને કહ્યું કે મેં હમણાં જ તમને ત્રણ વાતો કહી કે હાથમાં આવેલા શત્રુને કદી જવા ન દેતા પરંતુ તમે મને છોડી દીધી. બીજી વાત કહી કે કદી પણ અસંભવ વાત પર વિશ્વાસ ન કરતા પરંતુ તમે વિશ્વાસ કરી લીધો કે મારા પેટમાં બે હીરા છે. પરંતુ તમે એ વિચાર્યુ નહીં કે એક નાની ચકલીના પેટમાં બે હીરા કેવી રીતે હોઈ શકે.

મેં તમને ત્રીજી વાત કહી હતી કે કદી પણ વીતેલી વાત પર પશ્ચાતાપ ન કરો કારણ કે જે થઈ ગયું છે તેને બદલી શકાતું નથી. પરંતુ તમે દુઃખી થઈ ગયા અને પશ્ચાતાપ કરવા લાગ્યા. જે છે જ નહીં તેને વિચારીને તમે પશ્ચાતાપ કરવા લાગ્યા. રાજાએ ચકલીને કહ્યું ચાલ હવે ચોથી વાત કહી દે. ચકલીએ ચોથી વાત કહી કે નવું શીખવાનો કોઈ મતલબ જ નથી જ્યાં સુધી અત્યાર સુધી શીખેલું જીવનમાં ઉપયોગ ન કરીએ. આ ચાર જ્ઞાનની વાતો રાજાની નહીં પરંતુ તમારી જિંદગી બદલી દેશે. આ ચાર વાતોનો તમારી જિંદગીમાં અવશ્ય ઉપયોગ કરજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *