લગ્નમાં સાસુ વરરાજાનું નાક શા માટે પકડે છે?

Astrology

મિત્રો, આપણે ત્યાં લગ્નના અલગ-અલગ રીતિરિવાજો જોવા મળે છે. આ દરેક રીતિરિવાજો પાછળ એનો કંઇક ને કંઇક હેતું છુપાયેલો હોય છે. દરેક રિવાજ પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે અથવા કોઈ જીવન ઉપયોગી શીખ પણ આ રીત રિવાજો પાછળ કારણભૂત હોય છે. તમે લગ્નમાં ગયા હોય ત્યારે જોયું હશે કે વરરાજા જાન લઈને કન્યાના ઘરે પહોંચે છે ત્યારે કન્યાના ઘરે જ્યા તોરણ બાંધવામાં આવેલું હોય છે ત્યાં વરરાજાને પૂંખવામા આવે છે. ત્યારે કન્યાની માતા એટલે કે વરરાજાની સાસુ દ્વારા વરરાજાનું નાક પકડવાની એક રસમ છે. આ નાક કેમ પકડવામાં આવે છે તેના વિશે ઘણા ઓછા લોકોને માહિતી હશે.

આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન એ ફક્ત બે વ્યક્તિઓ પરિવારનો મેળ નથી પરંતુ બે સંસ્કૃતિઓ અને બે પરિવારોનો મેળ છે. લગ્નનું બંધન સાત જન્મોનું હોય છે. લગ્નના રિવાજો આ બંધનને મજબૂત બનાવે છે. લગ્નમાં ઘણી બધી રીત રસમ હોય છે જેમકે પીઠી ચોળવી, માંડવા રોપવા, ગ્રહશાંતિ,મહેંદી, મામેરુ, વરમાળા, હસ્ત મેળાપ, સપ્ત ફેરા, સેંથો પૂરવો મંગળસૂત્ર પહેરાવવુ. જ્યારે વરરાજા લગ્ન માટે જાન લઈને જાય છે ત્યારે તોરણે તેનું સ્વાગત કરવામાં આવે છે અને ત્યાં તોરણે વરરાજાની સાસુ વરરાજાની ધૂસર, મૂસળ, ચકલી, રવઇ, ત્રાગ વગેરેથી પૂંખે છે અને ત્યાં વરરાજાનું નાક પણ પકડે છે.

નાક પકડવા માટે અલગ-અલગ માન્યતાઓ જોડાયેલી છે. તેમાં પ્રથમ માન્યતા એ છે કે સાસુ વરરાજાનું નાક પકડીને એ સંદેશ આપવા માંગે છે કે નાક એ ઘરની ઈજ્જત છે અને અમારા ઘરની ઈજ્જત અમારી દીકરી છે.અમે આજદિન સુધી અમારી દીકરી રૂપી ઈજ્જતને ખુબજ સાચવી છે અને તેના પર કોઈ પણ આંચ આવવા દીધી નથી. અમે અમારી દીકરીને તમારી સાથે પરણાવીએ છીએ તો હવે પછી તેને સાચવવાની જવાબદારી તમારી વધી જાય છે. અને જેવી રીતે અમે અમારી દીકરીને સાચવી છે, તેને કોઈ તકલીફ પડવા નથી દીધી તેવી જ રીતે હવે અમારી દીકરીને સાચવવાની, તેના સુખ-દુઃખમાં સાથ આપવાની જવાબદારી તમારી છે. આમ નાકનો સંબંધ ઘરની ઈજ્જતથી છે. અને આપણા સમાજમાં બહેન દિકરીની ઈજ્જતને ઘરના નાક સમાન માનવામાં આવે છે. એટલા માટે લગ્ન પ્રસંગમાં સાસુ વરરાજાનું નાક પકડીને સાંકેતિક ભાષામાં તેને લગ્ન પછીની જવાબદારીઓ માટે તૈયાર રહેવા સંકેત આપતા હોય છે તેવી લોકમાન્યતા રસમ પાછળ છે.

બીજી માન્યતા મુજબ એવું માનવામાં આવે છે કે સાસુ દ્વારા જમાઈ એટલે કે તોરણે આવેલા વરરાજાની સહનશીલતાની પરીક્ષા કરવા માટે નાક પકડવામાં આવે છે. આ રસમમાં સાસુ વરરાજાનું નાક ખેંચીને મજાક મશ્કરી કરે છે તેથી વરરાજાના સ્વભાવની જાણકારી દીકરીના પરિવારને ખબર પડે છે. મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે કે વરરાજાના નાક ખેંચવાની રસમના કારણે જાન પાછી વળી ગઈ હોય, બોલાચાલી થઈ હોય .આ બધી બાબતથી તમે આ રસમ પાછળનો કારણ તો જાણી જ ગયા હશો કે નાક ખેંચવાની રસમ પાછળ એક તો વરરાજાની જવાબદારીનુ ભાન કરાવવાનું કારણ હોય છે અને વરરાજાની સહનશીલતાની પણ ચકાસણી થાય છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *