જ્યારે મનથી હારી જાઓ ત્યારે મારી આ વાત યાદ રાખજો.

Uncategorized

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે એક પક્ષી અથાક પરિશ્રમ કરીને એક એક તણખલું ભેગું કરીને પોતાનો માળો બનાવે છે, પોતાના સંતાન માટે એક સુરક્ષિત ઘર બનાવે છે અને પછી અચાનક ક્યાંકથી તીવ્ર પવન આવે છે, ભારે વરસાદ પડે છે અને તેનો માળો વેરવિખેર થઈ જાય છે. ત્યારબાદ તે પક્ષી શું કરે છે? તે રોતું નથી. તે કોઇપણ જાતનો વિલંબ કર્યા વગર પોતાનું માળો ફરીથી બનાવવાનું શરૂ કરી દે છે અને સફળતા મેળવે છે. તો પછી આપણે કેમ નાની-નાની અસફળતા અને ચિંતાઓથી ભયભીત થઈને પરિશ્રમ કરવાનું જ છોડી દઈએ છીએ. એક વાત અવશ્ય યાદ રાખજો કે દરેક વૃક્ષ કુહાડીના એક પ્રહારથી નીચે નથી પડી જતું એવી જ રીતે સફળતા મેળવવા માટે સતત પરિશ્રમ કરવો એ જ એક માર્ગ છે.

ભગવાન કહે છે કે આપણે સૌ જીવનમાં કોઈના કોઈ દિવસે યાત્રા અવશ્ય કરીએ છીએ. આ યાત્રા દરમિયાન ક્યાંક પાકા રસ્તા આવે છે તો ક્યાંક રસ્તા કાચા હોય છે. પાકા રસ્તા મનુષ્ય બનાવે છે. અને કાચા રસ્તા ચાલતા ચાલતા બની જાય છે. જ્યારે લોકો દરરોજ એક રસ્તેથી ચાલે છે ત્યારે પગના દબાવથી નીચેનું ઘાસ નાશ પામે છે. વારંવાર તે રસ્તેથી જવાથી રસ્તો આપોઆપ બની જાય છે અને આ જ આપણું જીવન છે. જ્યારે તમારા જીવનમાં તમને માર્ગ ન મળે તો ઉભા ન રહેતા, આગળ વધતા રહો અને તમારા કર્મના દબાણથી માર્ગ આપોઆપ બની જશે.

આપણે સૌ આપણા જીવનમાં સફળતા ઈચ્છીએ છીએ અને તેના માટે દરરોજ પરિશ્રમ પણ કરીએ છીએ, ખૂબ મહેનત કરીએ છીએ છતાં અસફળ થઈ જઈએ છીએ. પરંતુ તમે વિચાર્યું છે કે એવું કેમ થાય છે? સફળતા મેળવવા માટે શું જોઈએ? ઉચિત વિચાર, ઉચિત સમય, ઉચિત સ્થાન પર ઉચિત પ્રહાર. જ્યારે તમારા વિચારો, સમય સ્થાન અને પ્રહાર એટલે કે પરિશ્રમ જો ઉચિત છે તો સફળતા તમને જ મળશે. જે પ્રકારે એક લૂહાર લોખંડ પર પ્રહાર કરતા પહેલા તેને બરાબર ગરમ થવાની રાહ જુએ છે અને સમય આવવા પર ઉચિત સ્થાન પર પર્યાપ્ત બળથી પ્રહાર કરે છે અને લોખંડ આકાર લઈ લે છે ઠીક એવી જ રીતે તમારી સફળતા પણ આકાર લે છે.

આપણે સૌને જીવનમાં કોઈ ના કોઈ દિવસે નિરાશા અવશ્ય મળે છે, અસફળતા મળે છે અને મોટાભાગના લોકો નસીબને દોષ આપીને બેસી જાય છે. કેટલાક લોકો કહે છે કે હું જે સ્થાન પર છું તેના કરતાં ઘણા ઊંચા સ્થાન પર હોવાને યોગ્ય હતો પરંતુ જઈ ના શક્યો. કેટલાક લોકો કહે છે કે મને જે મળવું જોઈતું હતું તે ન મળ્યું કારણકે મારું ભાગ્ય જ ખરાબ હતું. ભાગ્ય શું છે? વનમાં ખીલેલુ પુષ્પ દેવતાઓને ચઢાવવામાં આવશે કે પછી કોઈ સુંદર સ્ત્રીની વેણીમાં તેનો ઉપયોગ થશે કે પછી તેને નીચોવીને તેનો રસ કાઢી લેવામાં આવશે આ બધું એક પુષ્પના નિયંત્રણમાં નથી હોતું પરંતુ જ્યાં સુધી તે પુષ્પનું અસ્તિત્વ છે સુગંધ ફેલાવવું તેના નિયંત્રણમાં અવશ્ય છે પરંતુ ભાગ્ય આપણા હાથમાં નથી અને જે આપણા હાથમાં નથી તેના માટે દુઃખી થવાથી શું થશે? કર્મ આપણા હાથમાં છે તે કરો તો ધીરે-ધીરે ભાગ્ય તમારા વશમાં આવી જશે. કારણ કે કર્મ જ પ્રધાન છે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *