મિત્રો, અત્યારના આધુનિક અને ઝડપી યુગમાં માણસને માણસ પાસે બેસવાનો સમય નથી. માણસ અત્યારે પોતાના કામમાં એટલો બધો મશગૂલ થઈ ગયો છે કે તેને પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે વિચારવાનો પણ સમય નથી. દુનિયા સાથે કદમ મિલાવવાની ચિંતા,કામની ચિંતા, પરિવારની ચિંતા, વ્યવહારોની ચિંતા, શિક્ષણની ચિંતા, આર્થિક અને સામાજિક ચિંતાઓ ધીમે ધીમે વ્યક્તિને ડિપ્રેશનનો શિકાર બનાવી દેતી હોય છે.
ડિપ્રેશન એવી એક માનસિક સ્થિતી છે જેમાં કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી દુઃખી રહે છે. ડિપ્રેશન વાળી વ્યક્તિને જિંદગી જીવવા માંથી રસ ઓછો થઈ જાય છે. તેને દરેક કામકાજમાંથી પણ રસ ઉઠી જાય છે. ચિંતાની બાબત તો એ છે કે ડિપ્રેશનની કોઈ ઉંમર નથી તે કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. ડિપ્રેશન થવાનું કોઈ એક કારણ હોતું નથી. ઘણીવાર કોલેજ લાઇફમાં ઘણા યુવાનો પ્રેમમાં ખૂબ જ સીરીયસ થઇ જાય છે અને જો આ સંબંધમાં તેમને દગો મળે ત્યારે તે ઉદાસીમાં ઘેરાઈ જાય છે. આવી વ્યક્તિને કોઇપણ કામમાં રસ પડતો નથી.
અને એ વ્યક્તિને એવું લાગે છે કે ધીમે ધીમે બધું સમાપ્ત થવા જઈ રહ્યું છે. પરંતુ કોઇ વ્યક્તિના જવાથી કોઈની જિંદગી સમાપ્ત નથી થઇ જતી. સમયની સાથે પોતાની જાતને તેમાંથી બહાર લાવવાની જરૂર છે. આમ તો એ જાણવું ખુબ જ મુશ્કેલ હોય છે કે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ રહ્યું છે. પરંતુ એવી કેટલીક બાબતો છે જેના આધારે આપણે જાણી શકીએ છીએ કે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ રહ્યું છે કે ફક્ત કોઇ તણાવમાં છે.
ડિપ્રેશનના લક્ષણો
જો થોડુંક જ કામ કરીને પણ ખૂબ જ વધુ થાકનો અનુભવ થાય તો તે એક ખતરાની ઘંટી છે. તમે તેને વિચારી શકો છો કે શુ આવું પહેલાં પણ થતું હતું કે હમણાંથી જ આવું થઈ રહ્યું છે.
ઊંઘ બરાબર ન આવવી એ પણ ડિપ્રેશનનું એક લક્ષણ છે. જો પથારીમાં લાંબા સમય સુધી ઊંઘ ન આવે અથવા તો થોડી થોડી મિનિટે ઊંઘી ગયા બાદ આંખો ખુલી જાય અને આવું ઘણા સમયથી થઇ રહ્યું હોય તો પણ તે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર હોઈ થઈ શકે છે.
ક્યારેક કોઈ વ્યક્તિને હંમેશા દરેક વ્યક્તિ સાથે વાત કરતા ચીડ આવી જાય એટલે કે સ્વભાવમાં વધુ પડતું ચિડીયાપણું આવી જાય. તેને કોઈ વ્યક્તિ સાથે વાત કરવાની ઈચ્છા જ ન થાય. જ્યારે કોઈ તેની સાથે વાત કરી રહ્યુ હોય ત્યારે તેનો જવાબ પણ ન આપવો આ એક ડિપ્રેશનનુ લક્ષણ હોઈ શકે છે.
ડિપ્રેશનનું ચોથુ લક્ષણ એ છે કે જો કોઈ વ્યક્તિ તેના કોઈપણ કામમાં ધ્યાન નથી આપી શકતી અને હંમેશા ગુસ્સામાં રહે છે તો તે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિ દરેક પર ચિલ્લાવા લાગે છે. અને થોડીવાર પછી એ વ્યક્તિને અહેસાસ થાય છે કે તેની વગરકામ આટલો બધો ગુસ્સો કર્યો.
ઘણીવાર કેટલાક લોકો ખૂબ જ ડરમાં રહે છે. તેમના મનમાં હંમેશા એક ડર બની રહે છે કે તેમની સાથે કંઈક ખરાબ ન થઈ જાય. તેમનું મગજ હંમેશા ખરાબ વિચારોથી ઘેરાયેલુ રહે છે. આવા વ્યક્તિઓ નાનામાં નાનો નિર્ણય લેવામાં પણ ખૂબ જ સમય વ્યતીત કરે છે. કારણ કે તેમના મગજમાં એક જ બીક હોય છે કે કંઈક ખરાબ ન થઈ જાય. આવી પરિસ્થિતિનો સામનો કરવો એ પણ એક ડિપ્રેશનનુ લક્ષણ હોઈ શકે શકે છે.
ડિપ્રેશનની પરિસ્થિતિને ઓળખવી એ ખૂબ જ અઘરું કાર્ય છે. આવા લક્ષણો જો લાંબા સમય સુધી કોઈ વ્યક્તિમાં દેખાય તો કદાચ તે ડિપ્રેશનનો શિકાર હોઈ શકે છે પરંતુ થોડાક જ દિવસો સુધી જો આવી પરિસ્થિતિ અનુભવાય તો તે વ્યક્તિ કદાચ કોઇ બાબતના તણાવમાં પણ હોઈ શકે એટલે એવું નથી કે એ વ્યક્તિ ડિપ્રેશનમાં જ હોય. પરંતુ મિત્રો તણાવનું કોઈ એક સ્પષ્ટ કારણ હોય છે પણ ડિપ્રેસનના અનેક કારણો હોય છે. તણાવ વર્તમાનમાં બનેલી કોઈ ઘટના થી હોઈ શકે છે પરંતુ ડિપ્રેશન ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના સાથે પણ સંબંધ ધરાવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની લાંબા સમય સુધી અસહાય મહેસૂસ કરે છે. લાખોની ભીડમાં પણ તે એકલતા અનુભવે છે. તે પણ ડિપ્રેશનનુ જ એક લક્ષણ હોઈ શકે છે.
તો મિત્રો હંમેશા એ કોશિશ કરો કે આવી વ્યક્તિઓને તમે વધુ ને વધુ સમય આપી તેમને આવા તણાવ અને ડિપ્રેશનમાંથી બહાર લાવવા માટે મદદરૂપ બનો. ડિપ્રેશન વાળી વ્યક્તિ ની દવા કરતા સાથની ખૂબ જ આવશ્યકતા હોય છે. હંમેશા કોઈપણ કાર્યમાં વ્યસ્ત રહેવું જેથી અન્ય નકામા વિચારો કે ચિંતા મગજમાં ઘર ન કરી જાય. ડિપ્રેશનની બીમારીને જો નજર અંદાજ કરવામાં આવે તો તે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.
ડિપ્રેશન એ આજકાલની કોઈ બીમારી નથી તે સદીઓથી મનુષ્યને થતી બીમારી છે પરંતુ એકવીસમી સદીમાં આ બીમારીનું પ્રમાણ દસ ગણું વધી ગયું છે.