મન ઉદાસ હોય તો મારી આ વાત જરૂર યાદ રાખજો.

Astrology

મિત્રો,ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, ઉદાસીનતા મનનો એવો ભાવ છે જેનાથી આપણને કોઈ વાતમાં રસ રહેતો નથી. કોઈ કામ કરવા માટે ઉત્સાહ નથી રહેતો. ઉદાસીનતા જ્યારે વધી જાય છે ત્યારે મનનો રોગ બની જાય છે. અને આવા સમયે મનુષ્ય જીવનથી વધુ મૃત્યુને પસંદ કરવા લાગે છે. આપણે સૌ જીવનમાં આ ઉદાસીનતાનો અનુભવ અવશ્ય કરીએ છીએ. મન નિરાશાથી ભરાઈ જાય છે. આ સમયે આપણે દરેક કાર્યનો ત્યાગ કરી બેસીએ છીએ.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સામાન્ય રીતે આપણી આ ઉદાસીનતા થોડા સમય માટે જ હોય છે એટલા માટે તેનાથી થવાવાળા નુકસાનને આપણે ઓળખી શકતા નથી. પરંતુ ઉદાસીનતા ધીમે ધીમે આદતનું રૂપ ધારણ કરી લે છે અને આપણે વારંવાર ઉદાસીનતાના કારણે હાથમાં લીધેલાં કામ અધુરા છોડી દઈએ છીએ. વાસ્તવમાં આ ઉદાસીનતા શું છે? ઉદાસીનતાનો જન્મ ક્યાંથી થાય છે? અને તેનાથી મુક્ત થવાનો ઉપાય શું છે?

ઉદાસીનતા વાસ્તવમાં મનની એવી સ્થિતિનું નામ છે જ્યારે આપણને આપણી તકલીફો, આપણી કઠિનાઈઓનુ બહાર દેખાવા લાગે છે. આપણે કહીએ છીએ કે સમાજ ખરાબ છે, નોકર કે માલિક ખરાબ છે, પતિ કે પત્નીનું વર્તન અનુચિત છે, જીવનની પરિસ્થિતિઓ મુશ્કેલ છે. સમય સાથ નથી આપતો વગેરે વગેરે. અને જ્યારે દુઃખનું કારણ આપણે બીજા વ્યક્તિઓ સાથે જોડી દઈએ છીએ ત્યારે તેને બદલવાનો કોઈ માર્ગ નથી રહેતો. શુ આ સત્ય નથી? આપણે સ્વયંને નિઃસહાય માનવા લાગીએ છીએ. અને ત્યાંથી જ ઉદાસીનતાનો જન્મ થાય છે. ભગવાને કહ્યું છે કે પોતાના મનને પૂછો કે આપણી બધી જ તકલીફનું કારણ બહાર છે કે પોતાના અંદર જ છે.

પોતાના મનને એકવાર પૂછો કે શું આપણી આ ખરાબ પરિસ્થિતિ બીજા વ્યક્તિઓના કારણે છે? શું આપણો પરિવાર જ આપણો શત્રુ છે, સમાજ દુશ્મન છે? કે પછી આપણી પરિસ્થિતિઓ આપણે સ્વયં નિર્મિત કરીએ છીએ. એક વાર વિચાર કરો કે પાનખરમાં પાંદડા સુકાવી દેનારી ઠંડી શુ વૃક્ષ સાથે દુશ્મની કરી રહી છે? નહિ ને. ઋતુચક્ર તો પોતાનું કામ કરી રહ્યું છે. તેને વૃક્ષ સાથે ન દોસ્તી છે કે ન દુશ્મની. ઋતુચક્ર સાથે અનુકુલ બની જવું તે વૃક્ષનું કર્તવ્ય છે. આ જ રીતે સમાજ કોઈ વ્યક્તિનો મિત્ર નથી હોતો કે શત્રુ પણ નથી હોતો. સમાજને જેના પાસેથી લાભ પ્રાપ્ત થાય છે સમાજ તેનો મિત્ર બની જાય છે. અર્થાત સમાજ પ્રતિકૂળ ત્યારે બને છે જ્યારે આપણે સમાજને પ્રતિકૂળ બનીએ છીએ.

આ રીતે જ વ્યક્તિઓના વચ્ચે પણ થાય છે. આપણે જેને પ્રેમ કરીએ છીએ તે જ આપણને પ્રેમ આપે છે. આપણે જેને લાભ આપીએ છીએ તે આપણને લાભ આપે છે. આપણી પરિસ્થિતિ બદલવા માટે આપણે સ્વયં પોતાની જાતનું પરિવર્તન કરવું પડે છે, બીજામાં પરિવર્તન લાવવું મુશ્કેલ છે. આટલું સમજી લીધા પછી સ્વયંમાં પરિવર્તન લાવવું મુશ્કેલ નથી અર્થાત જીવનમાં ઉદાસીનતાનું કોઈ કારણ જ નથી ફક્ત પોતાના માં પરિવર્તન કરવું એટલું પર્યાપ્ત છે. ભગવાનની આ વાત પર અવશ્ય વિચાર કરજો, ચિંતન કરજો,મનન કરજો. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *