દીકરીને બુધવારે સાસરે કેમ ન જવું જોઈએ, શાસ્ત્રોમાં જણાવેલુ આ છે તેનું કારણ.

Astrology

મિત્રો, તમે આ વાત ઘણી વાર સાંભળી હશે કે દીકરીને બુધવારે તેના પીયરથી સાસરીમાં ન મોકલી શકાય. આ રિવાજ પર ઘણીવાર પ્રશ્ન પણ થતો હોય છે કે તેનું કારણ શું છે? આમ તો કહેવાય છે કે બુધવારે થયેલું કામ બેવડાય છે એટલે કોઇ પણ શુભ કાર્ય બુધવારે થઈ શકે છે. પરંતુ સાસરેથી પિયર આવેલી દીકરીને બુધવારે સાસરી મોકલવાની મનાઈ હોય છે.

માનવામાં આવે છે કે બુધવારે દીકરીને સાસરે મોકલવાથી તેના પર દુખ આવી પડે છે. બુધવારે દીકરી સાસરે જાય તો કોઈ ખરાબ ઘટના પણ બની શકે છે. જો કોઈની બુધની દશા ખરાબ હોય તોપણ આમ ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને બુધ આવક કે લાભ નો ગ્રહ છે. બુધ ગ્રહ ચંદ્રનો શત્રુ છે. તેથી બુધવારે કરેલી યાત્રા સફળ થતી નથી. બુધવારે યાત્રા કરવાથી દુર્ઘટનાની શક્યતા પણ વધી જાય છે.

બુધવારે દીકરીને સાસરે કેમ ન વળાવવી જોઇએ તે બાબતે વર્ષોજૂની એક કથા પણ છે. વર્ષો પહેલા મધુસુદન નામનો એક શાહુકાર હતો. તેના લગ્ન સંગીતા નામની સુંદર અને ગુણવાન કન્યા સાથે થયા હતા. મધુસુદન બુધવારે સંગીતાને તેનાં માતા-પિતાના ઘરેથી લઈ ગયો. મધુસુદન અને સંગીતા બળદગાડામાં બેસી તેમના ઘરે જવા રવાના થયા. થોડે દૂર પહોંચ્યા અને ગાડાનું એક પૈડુ તૂટી ગયું. તેથી ગાડું છોડીને બંને જણા ચાલતા જવા લાગ્યા. રસ્તામાં સંગીતાને તરસ લાગી એટલે મધુસુદન તેને એક ઝાડ નીચે બેસાડી ને પાણી લેવા ગયો. તે પાણી લઈને આવ્યો તો તેને જોયું કે તેની પત્ની ઝાડ નીચે બીજી વ્યક્તિ પાસે બેઠી હતી. સંગીતા સાથે બેઠેલી વ્યક્તિ પણ મધુસુદન જેવી જ લાગતી હતી. તેણે મધુસુદન ને કહ્યું કે આ મારી પત્ની છે તું કોણ છે? આ સાંભળી મધુસુદન ને ગુસ્સો આવી ગયો.

તે નકલી મધુસુદન સાથે ઝઘડો કરવા લાગ્યો. ઝઘડો જોઈ ત્યાં સિપાહી આવી ગયા અને બંનેને રાજા પાસે લઈ ગયા. રાજા પણ નિર્ણય ન કરી શક્યા કે આ બન્નેમાંથી સાચું કોણ છે. નિર્ણય ન આવતા બંનેને જેલમાં પૂરી દેવાનું રાજાએ કહ્યું. રાજાના આ નિર્ણયથી સાચો મધુસુદન ગભરાઈ ગયો અને આકાશમાંથી આકાશવાણી થઇ કે મધુસુદન તે તારી પત્નીને બુધવારે પિયરમાંથી વળાવી અને યાત્રા કરી એટલે બુધના પ્રકોપથી આ બધું થયું છે. મધુસુદન ને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભગવાન બુધ ની માફી માંગી. ભગવાન બુધે તેને માફ કર્યો અને નકલી મધુસુદન ગાયબ થઈ ગયો. આમ આપણા પૌરાણિક શાસ્ત્રોમાં વર્ણવેલી આ કથા અનુસાર પણ દીકરીને બુધવારે સાસરે કદી પણ વળાવવી ન જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *