મિત્રો, મૃત્યુ જીવનનું શાશ્વત સત્ય છે પરંતુ મૃત્યુને લઈને લોકોમાં અલગ-અલગ ધારણાઓ હોય છે. લોકોના મનમાં એક પ્રશ્ન થાય છે કે શું ખરેખર મૃત્યુ સમયે કોઈ દિવ્ય દ્રષ્ટિ મળે છે અને ખરેખર યમલોકની સફર શરૂ થાય છે? પ્રાચીન સમયમાં શ્રીહરિ વિષ્ણુએ તેમના વાહન ગરુડને આ બધા જ સવાલોના જવાબ આપ્યા હતા. ભગવાને કહ્યું હતું કે ભિન્ન ભિન્ન જીવ આત્માઓને જુદા જુદા માર્ગોથી પસાર થવું પડે છે પછી આ આત્માઓને ધર્મરાજની સામે જઈને પોતાના દ્વારા કરવામાં આવેલા પાપ અને પુણ્યના આધાર પર આગળના સફરને પૂરું કરવાનું હોય છે.
ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલાં મનુષ્યનો અવાજ જતો રહે છે. તેની બધી જ ઇન્દ્રિયો કામ કરતી બંધ થઇ જાય છે. જ્યારે અંતિમ સમય આવે છે ત્યારે પરમાત્મા દ્વારા આત્માને દિવ્ય દ્રષ્ટિ મળે છે જેના પછી તે સમગ્ર સંસારને એક રૂપથી જોવા લાગે છે. આત્માના મનના તમામ વિકારો નષ્ટ થવા લાગે છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે બે દૂત આવે છે જે સ્વરૂપથી ખૂબ જ ભયંકર દેખાય છે. તેઓ મરવા વાળા સાથે એવો જ વ્યવહાર કરે છે જેવો મૃત્યુ પામનાર વ્યક્તિએ અન્ય પ્રાણીઓ સાથે કર્યો હતો. જો મરણ થનાર વ્યક્તિ સજ્જન હોય તો તે સરળતાથી પ્રાણનો ત્યાગ કરી દે છે પરંતુ જો તે પાપી છે તો યમદૂતો ના ભય થી ગ્રસ્ત થઈને બૂમો પાડીને ખૂબ જ કષ્ટથી શરીરનો ત્યાગ કરે છે.
ત્યારબાદ યમદૂત ગળામાં પાસ બાંધીને તેને યમલોક લઈ જાય છે. તે ડરતો ડરતો આગળ વધે છે. મૃત્યુ નો રસ્તો અંધારાથી છવાયેલો હોય છે. યમલોક પહોંચ્યા બાદ પાપી જીવને યાતનાઓ આપવામાં આવે છે અને તેને ધર્મરાજના કહેવાથી તેર દિવસ સુધી પોતાના ઉત્તર કાર્યોની પૂરતી હેતુ ધરતી ઉપર છોડી દેવામાં આવે છે. ઘરે આવીને તે જીવાત્મા પોતાના શરીરમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ યમદૂતના પાસથી તે મુક્ત થઈ શકતી નથી. જ્યાં સુધી તે આત્માના વંશજ એટલે કે તેનો પુત્ર વગેરે તેનો પિંડદાન નથી કરતા ત્યાં સુધી તે આત્મા ભુખી તરસી રહે છે. પછી દસમા દિવસે કરવામાં આવતા પિંડદાન થી તેને ચાલવાની શક્તિ મળે છે. એટલે હિન્દુ ધર્મમાં પિંડદાન કરવાનું ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે.
ત્યારબાદ મૃત્યુના તેરમા દિવસે યમદૂત તેને ફરીથી પકડી લે છે. પછી યમલોક ની યાત્રા શરૂ થાય છે. આ યાત્રામાં આત્માને ત્રણ પ્રકારના રસ્તા મળે છે જેમાં એક છે અર્ચિ માર્ગે બીજો ધૂમ માર્ગ અને ત્રીજો ઉત્પત્તિ-વિનાશ માર્ગ છે. અર્ચિ માર્ગ દેવલોક અને બ્રહ્મલોક ની યાત્રા માટે હોય છે. તેને સર્વોચ્ચ માર્ગ કહેવામાં આવે છે. ધુમ માર્ગ પિતૃલોક ની યાત્રા માટે હોય છે. અને સૌથી છેલ્લો ઉત્પત્તિ વિનાશ માર્ગ છે જે નર્કની યાત્રા કરાવે છે જેમા મૃત આત્માને બેતંડી નદીને 47 દિવસમાં પાર કરવાની હોય છે. અને ૪૭ દિવસની આ સફર ખૂબ જ કષ્ટદાયક હોય છે.
આ રીતે આત્મા યમલોક પહોંચે છે. યમલોક માં ભગવાન ચિત્રગુપ્તે પ્રાણી ના તમામ કર્મો ધર્મરાજ સામે પ્રસ્તુત કરે છે. પછી તેના આધારથી જ ધર્મરાજ નક્કી કરે છે કે પાપી આત્માને કયા નર્કમાં મોકલવામાં આવે. ગરુડ પુરાણમાં લગભગ 36 પ્રકારના નરકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે કોઈ પણ મનુષ્યની કલ્પનાથી પણ વધુ ભયાનક છે. જે મનુષ્ય ધર્મનું પાલન કરીને સત્કર્મો કરે છે તે કોઈપણ જાતના કષ્ટ વગર સીધો સ્વર્ગમાં અર્ચિ માર્ગ દ્વારા પહોંચે છે અને સ્વર્ગના સમસ્ત સુખને ભોગવે છે. આવું મનુષ્ય પોતાની ઇચ્છા મુજબ નવો જન્મ પ્રાપ્ત કરી શકે છે અથવા જન્મ-મૃત્યુના બંધનોથી મુક્ત થઈને સીધો પરમાત્મામાં વિલિન થઈ જાય છે. ભગવાન વિષ્ણુ દ્વારા ગરુડ પુરાણમાં કહેવામાં આવેલી આ હતી કથા જેનાથી તમે જાણી ગયા હશો કે મનુષ્ય કેવું આચરણ અને કેવા કર્મો કરવા જોઈએ. ઓમ નમો નારાયણ.